પ્રિમિયમ ક્વોલિટી નામે વેચાતા કપાસિયા તેલમાં ભેળસેળ ખૂલી
25-01-2025

ભાવ વધતા હવે સાઈડતેલો પણ શુધ્ધ નહીં
ગત વર્ષોમાં સિંગતેલ મોંઘુદાટ હોય તેમાં ભેળસેળની શક્યતા વધી ગઈ હતી ત્યારે આયાત ડયુટી વધાર્યા બાદ સાઈડતેલો કે જે સામાન્ય રીતે લોકો રોજિંદી ઘરેલું રસોઈમાં વાપરતા નથી તેમાં પણ ભેળસેળ થવા લાગી હોય તેમ આજે પ્રિમિયમ ક્વોલિટીના નામે વેચાતા કપાસિયા તેલમાં પણ ભેળસેળ ખુલી છે.
જૂના માર્કેટ યાર્ડમાં ‘ધરતી ટ્રેડર્સ'માંથી મનપાએ લીધેલો નમુનો નાપાસ જાહેર થયો
મનપા સૂત્રો અનુસાર રાજકોટના આર.ટી.ઓ. પાસે આવેલા જુના માર્કેટ યાર્ડમાં “ધરતી ટ્રેડર્સ” નામની પેઢીમાંથી 'આસોપાલવ પ્રીમિયમ ક્વોલિટી રિફાઈન્ડ કોટનસીડ ઓઈલ' નામથી વેચાતા કપાસિયા તેલનો ફૂડ વિભાગે નમુનો લઈ લેબોરેટરીમાં મોકલ્યો હતો. જેના રિપોર્ટ મૂજબ બી.આર.રીડીંગ અને આયોડિન વેલ્યુ ધારાધોરણ કરતા ઓછી આવી છે એટલે કે કપાસિયા તેલ હોવું જોઈએ તેના કરતા આ ઉતરતી ગુણવત્તાનું તેલ ઠર્યું છે. આ વેપારી સામે હવે દંડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.