આજે એલર્ટઃ સૌરાષ્ટ્રમાં 15 તાલુકાઓમાં વરસાદ, તા.15 થી સૂકું હવામાન

13-05-2025

Top News

સાવરકુંડલામાં દોઢ ઈચ, વાંકાનેર, જામકંડોરણામાં ધોધમાર એક ઈંચ

આજે ગુજરાતમાં તાપી જિ.ને બાદ કરતા એકંદરે વરસાદનો વિરામ રહ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહીલ આજે પણ જારી રહ્યો હતો અને સાંજ સુધીમાં ૧૫ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં દોઢ ઈંચ, વાંકાનેર તાલુકામાં આજે સાંજે સવા ઈંચ અને જામકંડોરણા તાલુકામાં એક ઈંચ ધોધમાર વરસાદથી કમોસમી ચોમાસુ જારી રહ્યું હતું. આવતીકાલ માટે પણ વરસાદનું એલર્ટ જારી થયું છે જ્યારે બુધવારથી એકંદરે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે વરસાદ સાથે એકંદરે વરસાદનું જોર ઘટવા અને ગુરુવારથી એકંદરે સુકા હવામાનની આગાહી થઈ છે.

પીપળીયા રાજ પાસે વિજથાંભલો ધસી પડતા વાહન વ્યવહાર અટક્યો, સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર, ચેકડેમ છલકાયો

અમરેલીના સાવરકુંડલામાં બપોરે ૨થી ૪ સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદથી નાવલી નદીમાં પૂર આવ્યું હતું અને ચેકડેમ છલકાયો હતો.જિલ્લામાં એક સપ્તાહથી સતત ભારે માવઠાંથી ખેડૂતોની માઠી દશા સર્જાઈ છે. કૃષિક્ષેત્રને વ્યાપક નુક્શાનના અહેવાલો છે. જામકંડોરણામાં પણ સાંજે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો અને સતત વરસાદથી મગ, અડદ, તલ,ડુંગળી સહિત પાકને નુક્શાનની ભીતિ સેવાય છે.

વાંકાનેરમાં આજે સાંજે હવામાનમાં પલટા સાથે પધમાર સવા ઈંચ વરસાદ વરસી જતા શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તીવ્ર પવનથી પીપળીયા રાજ નજીક વિજપોલ પશી પડતા વાહન વ્યવહાર અટકયો હતો અને લાંબી લાઈન લાગી હતી. વિજપૂરવઠો બંધ કરીને વિજ તંત્રએ આ થાંભલો રસ્તા પરથી હટાવ્યો હતો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામજોધપુર, મેંદરડા, ધારી તાલુકામાં આશરે અર્ધા ઈંચ તથા મુળી, ચોટીલા, લીંબડી, લોગપુર, તાલાલા, વઢવાણ, પડધરી, લોધિકા તાલુકામાં પણ હળવાથી ધોધમાર ઝાપટાં વરસ્યા હતા. રાજકોટમાં બપોર બાદ તડકો નીકળ્યો અને થોડીવારમાં ગાજવીજ શરુ થઈ હતી પરંતુ, વરસાદ નોંધાયો નથી.

મૌસમ વિભાગ અનુસાર આવતીકાલે રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, કચ્છ અને દિવ પંથકમાં કલાકના ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદનું ચલો એલર્ટ અપાયું છે. ત્યારબાદ બુધવારથી કમોસમી વરસાદનું જોર ઘટશે અને તા.૧૪થી હાલ વરસાદની કોઈ ચેતવણી નથી પરંતુ, છૂટાછાયા વરસાદની આગાહી છે જ્યારે તા.૧૫થી સુકા હવામાનની આગાહી કરાઈ છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates