ગાયનું છાણ અને ગૌમૂત્ર ગાયના દૂધ કરતાં પણ વધુ મૂલ્યવાન
09-06-2025

દ્વારકામાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું
દ્વારકાના ભથાણ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દ્વારકા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે વેદો, પુરાણો સહિતનાં શાસ્ત્રોમાં સૌ પશુ પશુ પક્ષીઓમાં ગૌમાતાને સૌથી વધારે સન્માન આપવામાં આવ્યું છે. ગાયનું છાણ તથા ગૌમૂત્ર ગાયના દૂધ કરતાં પણ વધારે મૂલ્યવાન છે.
ગૌશાળાના ગૌસેવકોનું સન્માન કરાયું
રાજ્યપાલે ઉમેર્યું હતું કે, વેદોમાં કહેવાયું છે કે, હે માનવ જો તારે તારા ઘર, સમાજ અને રાષ્ટ્રને ઉન્નત અને સર્વોત્તમ બનાવવા હોય તો તેનો માત્ર એક જ ઉપાય છે ગૌ માતાનું સંરક્ષણ આજના ઝડપી સમયમાં જ્યારે રોગો તથા બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગૌ માતાનું દૂધ એ તમામ રોગોથી બચવા માટે શ્રેષ્ઠ છે તેમ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકૃત કર્યું છે.
ધરતીને આપણે આપણી માતા માનીએ છીએ પણ તેનો વિનાશ કરી રહ્યા છીએ. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રકૃતિની સમતુલા ખોરવી નાખી છે. આ વિષચક્રમાંથી મુક્ત થવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું કાર્ય કરવું પડશે. પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગમાં લેવાતા ગૌમૂત્ર અને ગોબર પણ ગૌ માતા જ આપે છે જે ગૌ માતાના દૂધ કરતા પણ વધારે મૂલ્યવાન છે.
આ પ્રસંગે રાજ્યપાલે દાતા તેમજ ગૌસેવકોનું સન્માન કર્યું હતું તથા ગૌશાળાની મુલાકાત લઈ તેમણે ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સાથે બેઠક કરીને ગૌસંવર્ધન અને ગૌશાળા | સંચાલન માટે માર્ગદર્શન આપ્યું હતું.