કોફી માટે વિવિધ દેશોની માગ વધતાં નિકાસ વધતી જોવા મળી

30-12-2024

Top News

સોયાતેલ કરતાં પામતેલ મોંઘુ થતાં બજારમાં અનોખી ઘટના સર્જાઈ

દેશમાં ખાદ્યતેલોની બજારોમાં વિદાય લેતા વર્ષમાં ભાવમાં ખાસ્સી ચડઉતર જોવા મળી હતી. ઘરઆંગણે ઉત્પાદન કરતા માગ ઉંચી રહેતાં આયાતી ખાદ્યતેલો પર આધાર ચાલુ રહ્યો છે. આવો આધાર ઘટાડવા તથા દેશમાં ઉત્પાદન વધારવા સરકાર પ્રયત્નશીલ રહી છે. દક્ષિણ તરફ ખાસ કરીને તેલંગણા બાજુ પામની ખેતીનો વ્યાપ વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રયત્નો આગળ ઉપર કેટલા સફળ થાય છે તેના પર બજારની નજર રહી છે. દરમિયાન, વિદાય લેતા વર્ષમાં ખાદ્યતેલોના ભાવમાં આશ્ચર્યજનક સ્થિતિ પણ જોવા મળી હતી. આ વર્ષે સોયાતેલના ભાવ નોંધપાત્ર નીચા તથા તેની સરખામણીએ પામતેલના ભાવ નોંધપાત્ર ઊંચા રહેતાં આ બંન્ને ખાદ્યતેલો વચ્ચેના ભાવનો તફાવત અસામાન્ય રીતે વધી ગયાના વાવડ મળ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના રૂ.૧૩૫૦થી ૧૩૭૫ આસપાસ રહ્યા હતા તથા ઉંચામાં ભાવ રૂ.૧૪૦૦ની ઉપર પણ ગયા હતા જ્યારે તેની સામે સોયાતેલના ભાવ રૂ.૧૨૨૫થી ૧૨૩૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.

મલેશિયામાં ભારે વરસાદના પગલે પામના ઉત્પાદનને અસર પડતાં વિશ્વ બજારમાં પામતેલનાં ઉત્પાદનમાં પીછેહટ સર્જાયાના સમાચાર આવ્યા હતા. આની સામે વૈશ્વિક સ્તરે સોયાબીનનું ઉત્પાદન વધતાં તથા વિશ્વ બજારમાં સોયાબીનના ભાવ ગબડી ચાર વર્ષના તળિયે ઉતરી ગયાના સમાચાર આવ્યા હતા. આવા માહોલમાં સોયાતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જ્યારે સામે પામતેલના ભાવ ઉંચા જતાં જોવા મળ્યા હતા. પામતેલ તથા સિંગતેલના ભાવ વચ્ચે અગાઉ મોટો તફાવત રહેતો હતો તે તફાવત આ વર્ષે ખાસ્સો સંકડાઈ ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મલેશિયામાં પામતેલનો સ્ટોક ઘટી તાજેતરમાં ચાર વર્ષના તળિયે નવેમ્બરમાં ઉતરી ગયાના નિર્દેશો દરિયાપારથી મળ્યા હતા. મલેશિયાથી પામતેલની નિકાસમાં પણ પીછેહટ દેખાઈ છે. વિશ્વ બજારમાં સોયાતેલના ભાવ નીચા તથા પામતેલના ભાવ ઉંચા રહેતાં વિશ્વ બજારના ઘણાં આયાતકારો પામતેલના બદલે સોયાતેલ તરફ વળ્યાના સમાચાર આવ્યા હતા.

દેશમાં કોફી બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે વિદાય લેતા વર્ષમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા હતા. ભારતની કોફીમાં દરિયાપારની માગ વધ્યાના વાવડ મળ્યા હતા. ઘરઆંગણે પણ મેટ્રો શહેરો ઉપરાંત નાના નગરોમાં પણ હવે કોફીનો વપરાશ વધ્યાના સમાચાર આવ્યા હતા. ખાસ કરીને યુવાન પેઢીમાં કોફી પીવાનું આકર્ષણ વધ્યું હોવાનું બજારના સૂત્રોએ ત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વર્તમાન નાણાવર્ષના પ્રથમ ૬ મહિના દરમિયાન દેશમાંથી કોફીની નિકાસમાં આશરે ૫૪થી ૫૫ ટકાની વૃદ્ધી થયાનું જાણકારોએ જણાવ્યું હતું. આ ગાળામાં કોફીની નિકાસ વધી પાંચ હજાર કરોડ રૂપિયા નજીક પહોંચી હતી. આ ગાળામાં ક્વોન્ટીટીના સંદર્ભમાં વાત કરીએ તો કોફીની નિકાસ વધી આશરે સવા બે લાખ ટન જેટલી થઈ છે. એપ્રિલથી સપ્ટેમ્બરના આ ગાળા પછી ઓકટોબર, નવેમ્બર તથા ડિસેમ્બરમાં પણ ભારતની કોફીનું આકર્ષણ વૈશ્વિક સ્તરે જળવાઈ રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતની કોફીના વિશ્વ બજારમાં સરેરાશ ભાવ કિલોના રૂ.૩૫૨ ઉપજ્યા હતા. ભારતની કોફીની માગ વિશેષ રૂપે ઈટલી, જર્મની, રશિયા, બેલ્જિયમ તથા યુનાઈટેડ આરબ અમીરાતના દેશોમાં વધુ રહ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. દેશમાં ૨૦૨૩- ૨૪ની વિતેલી મોસમમાં કોફીનું ઉત્પાદન આશરે ૩ લાખ ૬૦ હજાર ટન જેટલું થયું હતું. ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં તથા ત્યારબાદના ક્રમે કેરળમાં થાય છે. દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ વિયેતનામ તથા ઈન્ડોનેશિયામાં કોફીનું ઉત્પાદન હાલ વધતાં વૈશ્વિક સ્તરે કોફીનું કુલ ઉત્પાદન ૨૦૨૪-૨૫ના વર્ષમાં વિધવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા છે. જો આમ થશે તો ભારતથી થતી કોફીની નિકાસને તેટલા પ્રમાણમાં અસર પડવાની વકી બતાવાઈ રહી છે. વૈશ્વિક કોફીનું કુલ ઉત્પાદન આશરે ૭૦ લાખ બેગ્સ (૬૦ કિલોની) વધી ૧૭૫૦ લાખ બેગ્સ થવાનો અંદાજ વહેતો થયો છે. ભારતમાં કોફીનો નવો પાક ૬૧થી ૬૨ લાખ બેગ્સનો અંદાજાયો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates