વડિયાના ખાનગી ગોડાઉનમાં દરોડો સરકારી અનાજનો જથ્થો પકડાયો

22-04-2025

Top News

ઈકો કારની તપાસ કરતા એમાંથી પણ ઘઉં, ચોખા મળી આવ્યા

અમરેલી, વડિયા પંથક સરકારી અનાજની હેરાફેરી માટે કુખ્યાત બનતો જાય છે. વડીયા શહેરમાં મામલતદારની ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડયા હતા. આ કાર્યવાહી દરમિયાન ખાનગી ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલો ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો છે. આવી જ રીતે ઈકો કારને રોકી તલાશી લેતાં એમાંથી પણ ઘઉં ચોખાનો જથ્થો મળી આવતા કાર ચાલકને પોલીસ હવાલે કરાયો છે.

મામલતદારની આગેવાની હેઠળની ટીમે બાતમીના આધારે ખાનગી ગોડાઉનમાં રેડ કરી અમન મન્સુરભાઈ આદમાણીના ખાનગી ગોડાઉનમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી કુલ ૩૬૮૩.૩૪ કિલોગ્રામ ઘઉં અને ૩૧૧.૧૪ કિલોગ્રામ ચોખા મળી આવ્યા હતા. આ અનાજનો કુલ અંદાજિત કિંમત રૂ. ૧,૧૭,૫૮૫ થાય છે.

સરકારી અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ સમગ્ર જથ્થાને સીઝ કરી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં વડિયાના ઢોળવા નાકા વિસ્તારમાંથી ઈકો કાર રોકાવી તપાસ કરતો કારમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી કાર ચાલક રહીક ભીખુભાઈ વાડુકડા પાસે બિલ માંગતા કોઈ જવાબ ના મળતા ૪૧૧કિલો ઘઉં અને ૭૪કિલો ચોખા અને વજન કાટો સહીત માલસામાન પુરવઠા ગોડાઉનમામોકલી દીધો છે. જયારે કાર અને કાર ચાલક રફીક ભીખુભાઈને વડિયા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates