ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે ‘મેલેરિયા નિર્મૂલન’ માટે માર્ગદર્શિકા જાહેર

23-06-2025

Top News

આ સાવચેતી રાખવાથી મેલેરિયા સામે રક્ષણ મેળવી બનો નિરોગી

રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ ‘મેલેરિયા નિર્મૂલન’ કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે અગમચેતીના ભાગરૂપે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ માર્ગદર્શિકા મુજબ જો શરીરમાં તાવની અસર દેખાય તો લોહીની તપાસ કરાવવી અને તપાસ દરમિયાન મેલેરિયાના લક્ષણો જોવા મળે તો તેની સંપૂર્ણ સારવાર લેવી હિતાવહ છે. મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રિમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરવો. ઘરમાં અને ઘરની આજુબાજુમાં રાખવામાં આવેલા પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખવા. ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો અને ભરાયેલ પાણીને સત્વરે નિકાલ કરવો. પાણીના નાના ખાડા-ખાબોચિયા પૂરી દેવા. કાયમી ભરાઈ રહેતા પાણીના તળાવોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ અવશ્ય મુકાવડાવવી. ઘરના બારી-બારણા ખાસ કરીને સવારે તથા સાંજે બંધ રાખવા અને તેમાં મચ્છરજાળી લગાડવી. સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. 

મેલેરિયા કેવી રીતે ફેલાય છે ?

મેલેરિયા એ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતાં માદા એનોફિલીસ નામના મચ્‍છર દ્વારા એક વ્‍યકિતમાંથી બીજી વ્‍યકિતમાં ફેલાતો અને પ્લાસમોડીયમ નામના પરોપજીવી જંતુથી થતો રોગ છે. માદા એનોફિલીસ મચ્‍છર મેલેરિયાના દર્દીને કરડે ત્‍યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે અને ત્યારબાદ આ મચ્છર તંદુરસ્‍ત વ્‍યકિતને કરડે ત્‍યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેલેરિયાના રોગને જાગૃતતા થકી અટકાવી શકાય છે. “મેલેરિયા સામેની લડતને વેગ આપી, આરોગ્યમય વિશ્વનું નિર્માણ કરીએ”ના સૂત્ર સાથે ‘મેલેરિયા નિર્મૂલન’ માટે રાજ્યના નાગરિકોને માર્ગદર્શિકા અનુસરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates