ગુજરાત વિધાનસભા સત્રનો 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ, 20મીએ બજેટ
21-01-2025

VAT, GST અને રાજ્ય કરની આવકથી તિજોરી છલોછલ
ગુજરાત વિધાનસભાના સત્રનો ૧૯મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, રાજ્યપાલના પ્રવચન પછી બીજા દિવસે એટલે કે ૨૦મી ફેબ્રુઆરીએ રાજ્યનું ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષનું સામાન્ય અંદાજપત્ર સત્ર રજૂ કરાશે. હાલ તો કામચલાઉ અંદાજ પ્રમાણએ બજેટ સત્રના દિવસો ૩૬ નક્કી કરવામાં આવ્યા છે.
વધતી જતી મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, સરકારી ભરતી સહિતના પ્રશ્નોથી સભાગૃહ ધમધમી ઉઠશે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બુધવાર, તા. ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ બપોરે ૧૨ કલાકે વિધાનસભા ગૃહમાં સત્રને આહવાન કર્યું છે. આ સત્ર ૨૮મી માર્ચ સુધી ચાલશે. રાજ્યના નાણામંત્રી બજેટની રજૂઆત કરે તે પૂર્વે કર રાહતો અને નવા કરવેરા અંગે લોકોની ઉત્સુકતા વધતી હોય છે પરંતુ નાણાં વિભાગના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેલ્યુ એડેડ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઉપરાંત રાજ્યના પોતાના કરવેરાની વિક્રમી આવકથી સરકારની તિજોરી ભરાયેલી છે. હોવા છતાં કરમાં કે અન્ય રીતે કોઈ મોટી રાહત મળવાની શક્યતા ઘણી ઓછી છે.
રાજ્યના બજેટ સત્રમાં સરકારી કામગીરી ઉપરાંત સરકારી વિધેયકોની પણ રજૂઆત થશે. આ વખતે એક ડઝન કરતાં પણ વધારે સરકારી વિધેયકો આવશે. ગુજરાતમાં મંદીનો માર, વધતી જતી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, સરકારી ભરતી અને અન્ય મુદ્દાઓ વિધાનસભાના ફૂલોર પર આવી શકે છે. બજેટ પૂર્વે સ્થાનિક ચૂંટણીઓ આટોપી લેવાશે.
ગુજરાતમાં સુધારેલી જંત્રીના દરોથી રિયલ એસ્ટેટ લોબી નારાજ છે. લોકોને પણ ઘર નું ઘર ખરીદવા ઉંચી કિંમતો ચૂકવવી પડી રહી હોવાથી રાજ્ય સરકાર બજેટ સત્ર દરમ્યાન જંત્રીના દરોમાં ઘટાડો કરવાની કોઈ જાહેરાત કરશે તેવું લાગી રહ્યું છે. દરમ્યાન, બજેટ સત્ર પૂર્વ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પુરી થઇ જાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા । પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.