ગુજરાત કેસર કેરી મહોત્સવ-2025: અત્યાર સુધીનું સૌથી વધારે રૂ. 4 કરોડથી વધુ કેરીનું વિક્રમી વેચાણ

24-06-2025

Top News

સીધા વેચાણથી શહેરીજનોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને 20 ટકા જેટલો વધારે નફો મળ્યો

દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. સાથે જ, નાગરિકોને રસાયણમુક્ત ખેત પેદાશો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ભાર આપી રહી છે. શહેરમાં વસતા નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.  

નાગરિકોને રસાયણમુક્ત કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭થી દર વર્ષે ઉનાળાની સીઝનમાં અમદાવાદ ખાતે ‘કેસર કેરી મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે તા. ૧૪મી મે, ૨૦૨૫થી એક મહિના સુધી ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’ યોજાયો હતો, જેનો કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. 

કેરી મહોત્સવના સફળ આયોજન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ ઉનાળામાં અમદાવાદીઓએ મન મૂકીને રસાયણમુક્ત કેરીનો આનંદ માણ્યો છે. વર્ષ ૨૦૨૩માં યોજાયેલા કેસર કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા ૨.૭૦ લાખ કિલોગ્રામ જેટલી કેરીનું વેચાણ થયું હતું, જેની સામે આ વર્ષના કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા કેરીનું અત્યાર સુધીનું સૌથી વિક્રમી વેચાણ કરવામાં આવ્યું છે. માત્ર એક મહિનાના સમયગાળામાં જ ખેડૂતોએ રૂ. ૪ કરોડની કિંમતની ૩.૩૦ લાખ કિલોગ્રામથી વધુ કેરીનું વેચાણ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 

વસ્ત્રાપુર હાટ ખાતે કેસર કેરી મહોત્સવ-૨૦૨૫માં ઉભા કરાયેલા આશરે ૮૫ જેટલા સ્ટોલ પૈકી ૪૫ સ્ટોલ આત્મા સમેતિમાં નોંધાયેલા ખેડૂતોને, ૨૧ સ્ટોલ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને, ૧૨ સ્ટોલ ખેડૂત ઉત્પાદક સંગઠનોને, ૦૩ સ્ટોલ ગોપકામાં નોંધાયેલા ખેડૂતોને તેમજ ૦૨ સ્ટોલ સહકારી મંડળીઓને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા હતા. ખેડૂત અને નાગરીકો વચ્ચેના વેપારી દૂર થતા આ કેરી મહોત્સવના માધ્યમથી ખેડૂતોએ તેમની ગુણવત્તાયુક્ત કેરીનું સીધું વેચાણ કરીને સામાન્ય કરતા ૨૦ ટકા જેટલો વધારે નફો મેળવ્યો છે. એક મહિનામાં આશરે એક લાખથી વધુ શહેરીજનોએ કેરી મહોત્સવની મુલાકાત લીધી હતી. 

નાગરિકોને ગુણવત્તાયક્ત અને કાર્બાઈડ ફ્રી કેરી ઘર આંગણે ઉપલબ્ધ થતા, આ કેરી મહોત્સવ માત્ર એક ખરીદીનો પોઈન્ટ જ નહીં, પરંતુ શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની કેસર કેરીએ આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. વિદેશમાં પણ કેસર કેરીની માંગ વધતા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીના વાવેતર અને ઉત્પાદન બંનેમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે કેસર કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરીઓ સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. ખેડૂતોને ‘કેસર કેરી મહોત્સવ’ જેવું એક માધ્યમ પૂરું પાડીને સહાયરૂપ થઇ રહી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates