ગુજરાતનો સરેરાશ વરસાદ 29.13 ટકા: સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31 ટકા

27-06-2025

Top News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા.૨૭ જૂનના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૬ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વાડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ ૨૧ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૪૦ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને ૧૩૩ તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧.૨૦ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૦ ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૩૦.૯૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૦.૩૬ ટકા અને કચ્છ ઝોનમાં ૨૩.૭ ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates