મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશમાં ખાંડ ઉત્પાદન નીચુ રહેતા સ્થાનિકમાં ભાવ ઊંચકાયા
19-02-2025

ઉત્પાદનમાં ઘટાડાને કારણે ખાંડના ભાવમાં સ્થાનિક માર્કેટમાં દોઢ મહિનામાં આઠ ટકા જેટલો વધારો થયો છે.
વર્તમાન મોસમમાં ૧૫ ફેબ્રુઆરીસુધીમાં દેશનું ખાંડ ઉત્પાદન ૧૨ ટકા જેટલુ નીચુ રહી ૧૯૭ લાખ ટન રહ્યું છે, મહારાષ્ટ્ર તથા | કર્ણાટકમાં નીચા ઉત્પાદનને કારણે આ ઘટ જોવા મળી રહી છે એમ ઈન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએન (ઈસ્મા)ના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ઉત્પાદનમાં ઘટાડાને કારણે ખાંડના ભાવમાં સ્થાનિક માર્કેટમાં દોઢ મહિનામાં આઠ ટકા જેટલો વધારો થયો છે. ઓકટોબર ૨૦૨૪થી શરૂ થયેલી વર્તમાન ખાંડમોસમમાં દેશનું એકંદર સાકર ઉત્પાદન ૧૯૭.૦૩ લાખટન્સ રહ્યું છે જે ગઈ મોસમના આ ગાળા સુધીમાં ૨૨૪.૧૫ લાખ ટન્સ રહ્યું હતું. ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં ઉત્પાદન નીચુ રહેતા એકંદર ઘટ જોવા મળી છે. ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન ૬૭.૭૭ લાખ ટન પરથી ઘટી ૬૪.૦૪ લાખ ટન રહ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં આ આંક ૭૯.૪૫ લાખ ટન પરથી ઘટી ૬૮.૨૨ લાખ ટન રહ્યું છે.
દરમિયાન દેશમાં ખાંડના નીચા ઉત્પાદન તથા નિકાસ છૂટ અપાતા ઘરઆંગણે છેલ્લા દોઢ મહિનામાં ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એસ ગ્રેડની ખાંડ જે જાન્યુઆરીના પ્રારંભમાં પ્રતિ કિલો રૂપિયા ૩૫.૪૫થી રૂપિયા ૩૯.૭૨ બોલાતી હતી તે હાલમાં રૂપિયા ૩૮.૯૨થી રૂપિયા ૩૯.૮૨ કવોટ થઈરહી છે. એમ ગ્રેડના ભાવ પણ ઊંચકાઈને હાલમાં રૂપિયા ૩૯.૩૨થી રૂપિયા ૪૦.૮૨ આસપાસ કવોટ થઈ રહ્યા છે. ૨૦૨૪ના ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમમાં મિલોને દસ લાખ ટન સાકરની નિકાસ છૂટ આપવામાં આવી છે. અગાઉ નિકાસ પર એક કરતા વધુ વર્ષ સુધી પ્રતિબંધ મુકાયો હતો.