કોપર શુગરને ખરીદી અન્ય શુગરોને રોકાણ વ્યાજ સાથે ચુકવવા મહુવા શુગરની તૈયારી
29-01-2025

બોર્ડ મીટીંગમાં પ્રમુખને સત્તા આપવામાં આવી
સુરત જિલ્લાના મહુવા સુગર ફેક્ટરી ખાતે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં કોપર શુગર ફેક્ટરીને ખરીદી અન્ય ચાર શુગર ફેક્ટરીને રોકાણના નાણાં વ્યાજ સહિત ચૂકવી દેવા અંગે ચર્ચા કરી તમામ સત્તા પ્રમુખને આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. પ્રમુખે કોપર અને વ્યારા શુગર ફેક્ટરી ખરીદવાની તૈયારી બતાવી હતી. મહુવા તાલુકાના બામણીયા ગામે આવેલી મહુવા શુગર ફેક્ટરીના પ્રમુખ માનસિંહ પટેલના અધ્યક્ષપદે ઉપપ્રમુખ બળવંતરાય પટેલ સહિત તમામ ડિરેક્ટરો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મંગળવારે બપોરે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટીંગ મળી હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી વાલોડ તાલુકાના દાદરીયા ખાતે કાર્યરત કોપર શુગર ફેક્ટરીને ખરીદી લઈ અન્ય શુગર ફેક્ટરીના રોકાણના નાણાં વ્યાજ સાથે આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
દાદરીયા શુગર ફેક્ટરી બંધ થતાં રાજ્ય સહકારી બેંકે વેચાણની પ્રક્રિયા કરતા સુરત જિલ્લાની પાંચ સહકારી શુગર ફેક્ટરી ચલથાણ, બારડોલી, કામરેજ, મઢી અને મહુવા શુગરે ભેગા થઈ વેચાણથી લઈને પાંચેલ શુગર ફેક્ટરીના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે બોર્ડ બનાવી કોપર કોપરેટીવ સુગરના નામે શરૂ કરવામાં આવી હતી. જેના માનદ મંત્રી તરીકે હસુભાઈ ભક્તની નિમણૂક કરી હતી જે હાલમાં કાર્યરત છે. કોપર શુગરના પ્રમુખપદે ચલથાણ શુગરના પ્રમુખ કેતન પટેલ અને ઉપપ્રમુખપદે બારડોલી શુગરના ઉપપ્રમુખ ભાવેશ પટેલ તથા અન્ય તમામ શુગર ફેક્ટરીના પ્રમુખ ઉપપ્રમુખ અને ડિરેક્ટરોએ સત્તા સંભાળેલી છે.
મહુવા શુગરના પ્રમુખ માનસિંહ પટેલે વ્યારા શુગરને ખરીદવાની પણ તૈયારી દર્શાવીઃ બંને શુગર સહકારી માળખામાં રહે તેવા પ્રયત્નો કરાશે
દરમિયાન મહુવા સુગર ફેક્ટરીમાં માનસિંહ પટેલે તમામ ડિરેક્ટરો સાથે ચર્ચા કરીને કોપર શુગર ફેક્ટરીની ખરીદી સમયે બારડોલી, ચલથાણ, કામરેજ અને મઢી શુગર ફેક્ટરીના રોકાણના નાણાં વ્યાજ સાથે પરત કરી દેવાની તૈયારી કરવામાં આવી છે અને જેના ભાગરૂપે ઠરાવ કરવામાં આવ્યો છે. પ્રમુખ માનસિંહ પટેલે સંસ્થાના ડિરેક્ટર અને ડિસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર જીતેન્દ્રસિંહ વાંસીયાને બારડોલી અને કામરેજ શુગર ફેક્ટરીના પ્રમુખ સહિત સાથે ચર્ચા કરવાની જવાબદારી સોંપી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત માનસિંહ પટેલે આગામી સમયમાં વ્યારા શુગર ફેક્ટરીને પણ ખરીદવાની તૈયારી દર્શાવી છે. અન્ય શુગર ફેક્ટરી પ્રાઇવેટ કંપનીને કરાર આધારિત ચલાવવા માટે અને વેચાણથી આપવામાં આવી છે, ત્યારે વ્યારા શુગર અને કોપર શુગર પણ સહકારી માળખામાં રહે તેવા પ્રયત્નો કરીને ચલાવવા અને આદિવાસી ખેડૂતોનું શોષણ ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ઉપરાંત મહુવા શુગર ફેક્ટરીના તમામ કર્મચારી અને સભાસદોના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.