મોરબીની મચ્છુ નદી ચોમાસાના આરંભે જ બે કાંઠે વહેવા લાગી
7 કલાક પહેલા

મચ્છુ-૩ ડેમના ત્રણ દરવાજા પાંચ ફૂટ ખોલાયા
મોરબીમાં ગત સોમવારે રાત્રીથી મેઘમહેર જોવા મળી હતી અને ગઈકાલે મંગળવારે પણ સારો વરસાદ વરસ્યો હતો. જેને પગલે સતત પાણીની આવકને કારણે મોરબીની મચ્છુ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. આ સાથે મચ્છુ-૩ ડેમના ૩ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે આજે બુધવારે મેઘરાજાએ વિરામ લીધો હતો અને સવારથી વરસાદ વરસ્યો ના હતો.
રાજપર ગામે કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, જાનહાની ટળી
મોરબીના મચ્છુ-ર ડેમના ગેટ રીપેરીંગ કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઇ નથી અને દરવાજા લગાવવાના બાકી છે. આ દરમિયાન સોમવાર અને મંગળવારે પડેલા વરસાદને કારણે પાણીની સતત આવક થઇ રહી છે અને પાણી મચ્છુ નદીમાં વહી રહ્યું છે. જેથી મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. ધસમસતા વહેતા પાણીને જોવા મયુર પુલ પર મોટી સંખ્યામાં મોરબીવાસીઓ જોવા મળ્યા હતા. બીજી તરફ રાજપર ગામમાં ગઈકાલે મંગળવારે પટેલ સમાજ વાડી પાસે આવેલા કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. જેથી ગામના યુવાનોએ ક્રેઈનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી હતી.