સુરત શહેરમાં આભ ફાટ્યુંઃ ગુજરાત રાજ્યનો સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

24-06-2025

Top News

રાજ્યમાં 31 જિલ્લાના કુલ 170 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૧૧ ઇંચ અને પલસાણા તાલુકામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

વધુમાં, ગત ૨૪ કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં ૪ ઈંચથી વધુ તેમજ તાપીના વ્યારા, સુરતના માંડવી અને માંગરોળ, આણંદના ખંભાત, પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૂચ તાલુકામાં ૩-૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.  

આ ઉપરાંત રાજ્યના ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૦ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૯૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૩૧ જિલ્લાના કુલ ૧૭૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૧ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates