અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ સાથે સુરેન્દ્રનગરમાં રેલી
9 દિવસ પહેલા

આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી ઉગ્ર સૂત્રોચ્ચાર
સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુર્તો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે ત્યારે ગત ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડુતોને થયેલ નુકશાન અંગે સરકાર દ્વારા સહાય ચુકવવામાં નહિં આવતા ખેડુતોને હાલાકી પડી રહી છે તેમજ વિવિધ સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડતોને સાથે રાખી શહેરના આંબેડકર ચોકથી જીલ્લા કલેકટર કચેરી સુધી મહારેલી યોજી તમામ માંગો પુરી કરવાની ઉગ્ર માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી “હાય રે ભાજપ હાય...હાય'ના નારા લગાવ્યા; ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
આ અંગે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતો નર્મદા કેનાલ આવ્યા બાદ બારે મહિના સીઝન મુજબના પાકોનું વાવેતર કરી સમૃધ્ધ બન્યા છે તેમજ ખેતી પર નિર્ભર રહી પરીવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ગત ચોમાસામાં અનિયમીત વરસાદ તેમજ અતિવૃષ્ટિના કારણે ખેડુતોએ મહામહેનતે કરેલ કપાસ, જીરૂ સહિતના પાકોને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું જે નુકશાની અંગે જીલ્લાભરના ખેડુતોએ સરકારની એસ.ડી.આર.એફ યોજના અંતર્ગત નુકશાની અંગે સહાય મેળવવા નિયમ મુજબ ફોર્મ ભર્યા હતા. પરંતુ સ્થાનીક તંત્ર દ્વારા આડેધડ સર્વે કરી ખોટા આંકડાઓ દર્શાવી ખેડુતોને નુકશાન થયું હોવા છતાં ખોટો સર્વે કરી સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે તેમજ હજારો ખેડુતોના કોઈપણ કારણ વગર ફોર્મ રીજેક્ટ કરવામાં આવતાં ખેડુતોની હાલત કફોડી બની છે.
તેવી જ રીતે ખેડુતોની જમીન માપણીમાં પણ મોટાપાયે ગેરરીતી આચરી ખોટું અને ઓછું માપ તેમજ નકશા દર્શાવી સ્થાનીક ડીએલઆર કચેરીના અધિકારીઓના મીલીભગતથી વધુ જમીન હોવા છતાં ઓછી જમીન દર્શાવી દેવામાં આવી છે. આ તમામ પ્રશ્નો અંગે ખેડુતોએ અનેક વખત જીલ્લા કલેકટર, ખેતીવાડી કચેરી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના આંબેડકર ચોકથી મહારેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ મહારેલી આંબેડકર ચોકથી હેન્ડલુમ ચોક, ટાંકી ચોક, ટાવર ચોક થઈ કલેકટરકચેરી સુધી યોજાઈ હતી અને ત્યારબાદ સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો તેમજ કચેરીના પટાંગણમાં રામધુન બોલાવી હતી અને નુકશાની અંગે સહાય ચુકવવા, જમીન માપણીમાં ફેરફાર સહિતની માંગો અંગે રજુઆત કરી હતી.
જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાએ ભાજપ સરકાર સામે ખેડુતોના પ્રશ્નો મોંધવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને આગામી દિવસોમાં સરકાર દ્વારા ખેડતોની તમામ માંગો પુરી કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે ખેડુતોની રજુઆતને પગલે જીલ્લા કલેકટરે અગાઉના મહિનામાં થયેલ નુકશાનનું વળતર ચુકવી દેવામાં આવ્યું છે પરંતુ ગત ઓક્ટોબર મહિનામાં વરસાદથી થયેલ નુકશાનનું વળતર બાકી છે તે અંગેનો રીપોર્ટ સરકારને મોકલી દેવામાં આવ્યો છે અને ટુંક સમયમાં તે વળતરની રકમ પણ મળી જશે તેમ જણાવી આગેવાનો અને ખેડુતોને હૈયાધારણા આપી હતી. આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, ૠત્વિક મકવાણા, પ્રગતિબેન આહીર સહિત જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને જીલ્લાભરમાંથી ખેડુતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.