ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની રેકોર્ડબ્રેક 80 હજાર ભારીની આવક
07-03-2025

હાઈ-વે પર 2000થી 2500 વાહનોની કતાર લાગી
સૌરાષ્ટ્રનાં મોટાં ગણાતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાની આવક શરૂ કરવામાં આવતા જ આશરે ૮૦ હજાર થી વધુ ભારીની બંપર આવક થઈ હતી. હાઈ-વે પર ૨૦૦૦ થી ૨૫૦૦ વાહનોની બંને બાજુ આશરે ૭ થી ૮ કી.મી. લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી.
આખા સૌરાષ્ટ્રમાંથી સેંકડો ખેડૂતો મરચા વેચવા માટે ઉમટી પડતા માર્કેટ યાર્ડમાં જગ્યા ટૂંકી પડી, આવક હાલ પૂરતી બંધ
માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, ગીરે સોમનાથ, પોરબંદર, બોટાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો મરચા લઈને આવ્યા હતા. પુષ્કળ પ્રમાણમાં મરચાની આવક થતા યાર્ડની જગ્યા ટૂંકી પડી હતી. જેથી યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અન્ય જગ્યા ભાડે રાખીને ત્યાં ઉતારવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
આ તકે યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા એ જણાવ્યું હતું કે એક સાથે ૮૦ હજાર થી વધુ મરચાની ભારીઓની આવક થતા હાલ પુરતી આવક બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી આવક શરૂ કરવામાં ન આવે. ત્યાં સુધી કોઈપણ ખેડૂતે મરચા લઈને ના આવવા કહયું હતું. હાલ મરચાની આવકમાં મુખ્યત્વે સાનિયા બ્રાંડ મરચાની આવક થવા પામી છે. એક હકીકત એવી પણ છે કે સાનિયા મરચા સમયજતા તેનો કલર અને તિખાસ ગુમાવી રહ્યા છે. તેમ છતાં બીજી બ્રાંડ કરતા મબલખ ઉત્પાદન થતું હોય ખેડુતો વધુ વાવેતર કરે છે.