સરકારી એજન્સીઓ મારફત સોયાબીનના વેચાણને મંજુરી નહીં આપવા રજૂઆત
14 દિવસ પહેલા

ખરીફ વાવણીની સમાપ્તિ સુધી વેચાણ અટકાવવા રજૂઆત
સોયાબીનની ખરીફ વાવણી જ્યાંસુધી પૂરી ન થાય ત્યાંસુધી નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) તથા નેશનલ કોઓપરેટિવ કન્ઝયુમર્સ' ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનસીસીએફ) સ્ટોકમાંથી સોયાબીનનું વેચાણ કરવાની છૂટ નહીં આપવા સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સોપા)એ કૃષિ મંત્રાલયને ફરી વિનંતી કરી છે.
ખરીફ વાવણીની સમાપ્તિ સુધી વેચાણ અટકાવવા રજૂઆત
અગાઉ કરેલી વિનંતીને માન આપી નાફેડ તથા એનસીસીએફ દ્વારા ખુલ્લા - બજારમાં સોયાબીનના વેચાણને અટકાવી દીધું હતું. સોયાબીનના ભાવ ટેકાના ભાવથી પણ નીચે ચાલી જતા સોપા દ્વારા આ વિનંતી આવી પડી હતી. નાફેડ જૂન સુધી સોયાબીનનું વેચાણ નહીં કરે તેવી જાહેરાત બાદ સોયાબીનના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. જો કે નાફેડ તથા એનસીસીએફ ફરી પાછા સોયાબીનનું વેચાણ કરવાની હિલચાલ કરી રહ્યાનું ધ્યાનમાં આવતા કૃષિ મંત્રાલયને આ સંદર્ભમાં વિનંતી કરવામાં આવી છે એમ સોપાના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષની સોયાબીનની ખરીફ વાવણી પૂરી ન થાય ત્યાં સુધી વેચાણ અટકાવી રખાશે તો ખેડૂતોને સોયાબીનના સરખા ભાવ મળી રહેશે. અન્યથા ખેડૂતોએ મોટી નુકસાની ભોગવવી પડશે એમ સોપા દ્વારા જારી કરાયેલી એક યાદીમાં જણાવાયું હતું.