ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝન પહેલાં નવા ધાણાની આવકનાં શ્રીગણેશ
31-12-2024

હરાજીમાં ૨૦ કિલોનો રૂ.૩૫૦૦૧નો ભાવ બોલાયો
ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાય છે. અહીં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જોવા મળતી હોય છે.પરંતુ આ વખતે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં આવક નોંધાઈ હતી.
૩૦ કિલોની આવકઃ ફૂલહાર, અગરબત્તી અને શ્રીફળ વધેરીને નવા ધાણાની કરાઈ હરાજી
માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં પ્રથમ નવા ધાણાની ૩૦ કિલોની આવક સાથે ધાણાની સિઝનના શ્રીગણેશ થયા હતા. ત્યારે ધાણાની હરાજી પહેલા ધાણાને ફૂલહાર, અગરબત્તી અને શ્રીફળ વધેરીને હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે ધાણાની હરાજી બાદ ખેડૂત અને ધાણાના વેપારીનું મો મીઠું કરાવામાં આવ્યું હતું.
યાર્ડમાં જસદણ તાલુકાના સાણથલી ગામના ખેડૂત મધુભાઈ નવા ધાણા લઈને આવ્યા હતા. નવા ધાણાના હરાજીમાં મુહૂર્તના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૩૫,૦૦૧ બોલાયા હતા. રેગ્યુલર જુના ધાણા આવક રોજિંદા થઈ રહી છે. આજે ૫૫૦૦ ગુણીની આવક થવા પામી હતી.જેમાં રેગ્યુલર હરાજીમાં ધાણાના ભાવ ૨૦ કિલોના ૮૦૦/થી ૧૫૭૧ સુધીના જોવા મળ્યા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં પ્રથમ નવા ધાણાની ૩૦ કિલોની આવક સાથે ધાણાની સિઝનના શ્રીગણેશ થયા હતા.