આજથી ફરી ગરમી વધશેઃ સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની થયો, રોપ-વે બંધ કરાયો
06-03-2025

બુધવારે સવારે નલિયા 6 કેશોદ 13 સે. સાથે ગુલાબી ઠંડી અનુભવાયા બાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત સીસ્ટમની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ, બરફવર્ષા થવાની સાથે આજે ગુજરાતમાં તાપમાન ગગડયું હતું અને રાજકોટ, પોરબંદર, કેશોદ સહિતના સ્થળે પારો પાંચથી છ સે.ઘટતા સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. પરંતુ, બપોરે ફરી તાપમાન ૩૩થી ૩૫ સે.એ પહોંચી ગયું હતું.
તો બીજી તરફ સૌરાષ્ટ્રના દ્વારકા સહિતના દરિયામાં મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો અને માછીમારોને એલર્ટ મેસેજ અપાયો હતો જ્યારે જૂનાગઢનો રોપ-વે ૭૦ કિ.મી.ઝડપે પવન ફૂંકાતા આજે બીજા દિવસે બંધ કરાવ્યો હતો.રાજકોટ સહિતના સ્થળે પણ આજે ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ન્યુનત્તમ તાપમાન આજે ગગડીને નલિયામાં ૬.૨ નોંધાયું હતું. કેશોદ ૧૩.૪, રાજકોટ અને પોરબંદરમાં ૧૪, અમરેલી, દિવ, સુરેન્દ્રનગર, ભૂજમાં ૧૫, ગાંધીનગરમાં ૧૯, અમદાવાદ ૧૭, મહુવા, વડોદરા, ૧૭ સે. સાથે ઓખાને બાદ કરતા તમામ સ્થળે પારી ૨૦ સે. નીચે રહ્યો હતો અને સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ હતી.
૩૦ કિ.મી.ઝડપે પવન ફૂંકાયોઃ હવે તાપમાનમાં પાંચ સે. વધારાની તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળ વિસ્તારમાં તા.૭થી હીટવેવની વકી
હવે આવતીકાલથી તાપમાનમાં ક્રમશઃ પાંચ સે. સુધીનો વધારો થવાની આગાહી થઈ છે જેના પગલે ધુળેટી પૂર્વે તીવ્ર ગરમી અનુભવાય અને પારો ૪૦ સે.નજીક પહોંચી જાય તેવી શક્યતા છે.
આ ઉપરાંત તા. ૭થી ૧૩ દરમિયાન સૌરાષ્ટ્રના અને કચ્છના કાંઠાળ વિસ્તારોમાં હીટવેવની પણ શક્યતા છે. દરમિયાન તા.૯ના ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાનું છે પરંતુ, એકંદરે હોળી તાપીને રહી સહી ઠંડી પણ વિદાય લેવા સાથે ઉનાળો કાળઝાળ બનીને અગનવર્ષા કરશે. આ વર્ષે માર્ચમાં જ ગુજરાતમાં હીટવેવ આવવાની અને તાપમાન સામાન્ય રીતે ઉનાળામાં હોય તેથી વધુ રહેવાનું પૂર્વાનુમાન જારી કરાયું છે.