અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

24-06-2025

Top News

16 કિ.મી.ની સમગ્ર રથયાત્રા દરમિયાન કુલ 23,884 પોલીસ સહિત અધિકારીઓ ફરજ પર રહેશે

  • રથયાત્રામાં સૌ પ્રથમવાર A.I.નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે.
  • ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ.
  • ટ્રાફિક નિયમન માટે ૧૦૦૦ કર્મીઓ ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા.
  • ૨૨૭ કેમેરા-૪૧ ડ્રોન-૨૮૭૨ બોડીવોર્ન કેમેરા અને ૨૪૦ ધાબા પોઈન્ટ – ૨૫ વોચ ટાવર દ્વારા લાઈવ મોનિટરિંગ થશે.
  • યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે ૧૭ જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૮મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનસીપલ કમિશ્નર બંછાનિધી પાની તથા વરિષ્ઠ સચિવો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં ૨૧૩ કરતાં વધુ સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, રથયાત્રાનો આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. 

અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. 

આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

 A.I.ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહિ, ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.

રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્‍ટેશનમાં પોલીસ કમિશનરએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત ૨૩,૮૮૪થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.

મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે.

સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૦૦૦ જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, ૨૩ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

પોલીસ કમિશનરએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે ૨૨૭ કેમેરા, ૪૧ ડ્રોન, ૨૮૭૨ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત ૨૪૦ ધાબા પોઈન્ટ અને ૨૫ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. ૧૬ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે.

રથયાત્રાના રૂટ પર આવેલી ૪૮૪ જેટલી જુની અને જર્જરીત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સુચક બોર્ડ તેમજ પતરાની આડશો મુકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી. 

આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો અને ૪૪ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની ૧૭૭, મહોલ્લા સમિતિની ૨૩૫ તેમજ મહિલા સમિતિની ૫૭ બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે ૨૧ બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે ૧૦ જેટલી બેઠકો યોજવામાં આવી હતી.

આ ઉપરાંત એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates