પશુપાલકની ચરવા ગયેલી ત્રણ ભેંસ ચોરીને ત્રણ રીઢા કસાઇએ કતલ કરી નાંખી
1 દિવસ પહેલા

ચોરની ધરપકડ કરી ઉપયોગમાં લીધેલી પીકઅપ વાન કબજે
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં શિવનગર ટેકરા પાસે તબેલો ધરાવતા પશુપાલકની ભેંસો પખવાડીયા અગાઉ ચરવા ગયા બાદ ગુમ થઈ હતી.આ અંગે પોલીસે ઢોર ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ભેંસોની ચોરી કરી તેની કતલ કરવામાં આવી છે. સચીન જીઆઈડીસી પોલીસે ત્રણ રીઢા કસાઈની ધરપકડ કરી ભેંસોની ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો પીકઅપ વાન કબજે કરી છે.
સચિન GIDC શિવનગર ટેકરા પાસે તબેલાની ભેંસો ચરવા ગયા બાદ ગૂમ થઇ હતી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાના વતની અને સુરતના સચીન જીઆઈડીસી શિવનગર ટેકરા પાસે ગીતા પાર્ક ૨ માં રહેતા ૩૦ વર્ષીય પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની રૂ.૧.૨૦ લાખની કિંમતની ત્રણ ભેંસ ગત ૧૯ મે ની રાત્રે તબેલાની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ચરવા માટે ગયા બાદ ગુમ થઈ હતી. આ અંગે અમિત યાદવે ગતરોજ સચીન જીઆઈડીસી પોલીસ મથક્રમા ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ભેંસોની ચોરી કરી તેની કતલ કરવામાં આવી છે. સચીન જીઆઈડીસી પોલીસે તે સંદર્ભે ત્રણ રીઢા ખાટકી રફીક ઉર્ફે સુપડુ રસીદ કુરેશી (ઉ.વ.૪૧, રહે. પર નં.૧૭૨, રતનજીનગર, મીઠીખાડી, લીંબાયત, (સુરત), ઈમરાન ઈસ્માઈલ કરેથી (ઉ.વ.૨૮, રહે.પર નં.૨૭૫, ગલી નં.૭, ખ્વાજાનગર, માનદરવાજા, સુરત) અને મોહંમદ હુજેકા જુબેર શેખ (ઉ.વ.૨૫, રહે.દિલ હળિયું, નુરાની મસ્જીદની પાછળ, ઉન ગામ, સુરત) ની ધરપકડ કરી તેમણે ભેંસોની ચોરીમાં ઉપયોગમાં લીધેલી રૂ.૩ લાખની કિંમતની બોલેરો પીકઅપ વાન કબજે કરી હતી.