આજે અખાત્રીજઃ શુભકાર્યનો પ્રારંભ, પવન જોઈને વરસાદનો વરતારો થશે
2 દિવસ પહેલા

પરોઢીયે આથમણો,વાયવ્ય દિશાનો પવન વહે તો સારો વરસાદ
બુધવારે રોહિણી નક્ષત્રમાં બપોરે ૨.૧૨ વાગ્યા સુધી અખાત્રીજનું પર્વ છે. ત્રીજ એ ઉદય તિથિ હોવાથી આ દિવસે અક્ષય તૃતિયા ઉજવાશે અને આ વણજોયા શુભમુહુર્તના દિવસથી આત્મ કલ્યાણ માટેના કાર્યનો પ્રારંભ કરવાનું તેમજ સાંસારિક પ્રસંગો યોજવાનું મહત્વ રહ્યું છે તો પરંપરાગત રીતે આ દિવસના પવનની દિશા પરથી વરસાદનો વરતારો થશે.
આજે બપોરે ૨.૧૨ સુધી અખાત્રીજ બાદ વિનાયક ચતુર્થી, વરસી તપના પારણાં થશે, ધર્મ કાર્યનું આજે વિશેષ મહત્વ
ખેતરમાં અખાત્રીજના દિવસે પરોઢીયે, ૩થી ૬ વાગ્યા દરમિયાન પવન કઈ દિશાનો છે તેના પરથી વર્ષ કેવું જશે તેનું અનુમાન બંધાય છે. આજે આ પવન એકંદરે પશ્ચિમ એટલે કે આથમણી દિશાનો હતો અને તે આવતીકાલે પરોઢીયે ચાલુ રહે તો ખૂબ સારુ વર્ષ જશે અને ઉત્તર-પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશાનો પવન પણ સારો વરસાદ લાવે છે. પરંતુ, નૈૠત્યનો (દક્ષિણ-પશ્ચિમ) કે પૂર્વ, દક્ષિણ દિશાનો પવન સારો ગણાતો નથી. આવતીકાલે બપોરે ૨.૧૨ વાગ્યા બાદ વિનાયક ચતુર્થી પણ શરુ થશે.
અખાત્રીજના દિવસે જૈનોના વરસી તપના પારણા પણ થાય છે. એક રિવાજ પ્રમાણે આ દિવસે સોનુ ખરીદાતું હોય છે પરંતુ, ઘણા વ્યવહારિક લોકોના મતે સોનુ ખરીદવાનો શ્રેષ્ઠ સમય જ્યારે તેના ભાવ તળિયે હોય ત્યારે છે. હાલ, સોનાના ભાવ અસામાન્ય રીતે ઉંચા, રૂા.૯૮ હજારથી વધારે છે. આમ, પણ શાસ્ત્રોક્ત રીતે કાયમ સુખ-શાંતિ અને આનંદ આપે તેવું ધન તે કોઈના ભલા માટે કરેલું પૂણ્ય કાર્ય,દાન-સેવા કાર્યો ગણાતા રહ્યા छे. આવતીકાલે એકંદરે ધર્મકાર્ય, પૂજાપાઠ, દાન વગેરેનું મહત્વ વિશેષ છે.