સાસણ- કાસીયા વચ્ચે સિંહ યુગલ આવી જતાં ટ્રેન થંભી ગઈ
15-01-2025

વધુ એકવાર રેલ્વે ટ્રેક પર આવી ગયા સિંહ
વિસાવદર- સાસણ વચ્ચે જંગલમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે સિંહ અને સિંહણ રેલ્વે ટ્રેક પર આવી જતા તાત્કાલીક ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગના ટ્રેકર દ્વારા સિંહોને ટ્રેકથી દુર ખદેડી દેવામાં આવ્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. સાસણ-કાસીયા વચ્ચે જંગલમાંથી અમરેલી-વેરાવળ પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રેલ્વે ટ્રેક પર સિંહ યુગલ આવી ગયું હતું. આ અંગે |લોકોપાઈલટને નજરે ચડતા તેણે તાત્કાલીક ટ્રેનને બ્રેક મારી દીધી હતી.
ટ્રેનને ઊભી રાખી દીધા બાદ વનતંત્ર દ્વારા સિંહોને દૂર ખદેડાયા
ત્યારબાદ વન વિભાગના ટ્રેકર રાણાભાઈ ગઢવી દ્વારા બંને સિંહોને રેલ્વે ટ્રેક પરથી દુર ખદેડી ટ્રેક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. બાદમાં સ્થિતિ સામાન્ય હોવાનું વનતંત્રએ જણાવતા ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી. જંગલમાં ટ્રેન ધીમી ગતિએ ચાલતી હોવાથી અકસ્માતની ઘટના આજ સુધી બની નથી. વધુ એકવાર સાસણ-વિસાવદર વચ્ચે જંગલમાં સિંહોને ટ્રેન હડફેટે આવતા બચાવી લેવામાં આવ્યા હતા.
સુલતાનપુર ગામે સિંહણે આખલા પર હુમલો કર્યો પણ આખલાના વળતા પ્રહારે સિંહણને ભાગવું પડ્યું
ઊના તાલુકાના સુલતાનપુર ગામની નજીક દિન દહાડે એક સિંહણે આખલા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આખલાએ પોતાના બચાવના પ્રયાસમાં વળતો જોરદાર પ્રહાર કરતા સિંહણને શિકાર કરવાનો ઈરાદો છોડી ત્યાંથી ભાગવું પડયું હતું. તાલુકાના ગીર જંગલ બોર્ડરના ગામોમાં હિંસક વન્ય પ્રાણીઓની અવરજવર વધી હોવાથી લોકોમાં સતત ભયનો રહે છે.
ગિરનાર પર્વત પર ૬૫ કિમીની ઝડપે પવન ફૂંકાતાં રોપવે બંધ
જૂનાગઢમાં આજે તાપમાનમાં વધારો થયો હતો પરંતુ શીતલહરના કારણે ઠંડીમાં ઘટાડો થયો નથી. ગિરનાર પર્વત પર ૬૫ કિલોમીટર પ્રતિ કીમીની ઝડપે પવનથી રોપવે બંધ રહ્યો હતો. આજે પોષી પૂનમ નિમિત્તે માતાજીના દર્શન કરવા ડોળી અને પવનની થપાટનો સામનો કરી પગથિયાં ચડી દર્શનાર્થે પહોંચ્યા હતા. પ્રવાસીઓને ગિરનાર પર ઠંડુગાર વાતાવરણ અનુભવાયું હતું.