ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લાં બે માસથી રસ્તો ખોદી નખાતાં હાલાકી
28-12-2024
એકબાજુનો રોડ બંધ કરાતાં રોજ ટ્રાફિકજામ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે નવી જણસીની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે. અને રોજના હજારો વાહનો માલ લઈને આવ-જા કરે છે. ત્યારે જ માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશો દ્વારા સીમેન્ટ રોડ બનાવવા માટે રસ્તાનું ખોદકામ કરતા વેપારીઓ, દલાલો તથા ખેડૂતેને ભારે હાલાકી ભોગવવી પડે છે.
હાલ નવી જણસીની આવકને લીધે હજારો વાહનોની આવ-જા થતી હોય ત્યારે જ કામ હાથ ધરાતાં રોષ
ગોંડલ યાર્ડમાં હાલ નવી જણસીની આવક ચાલુ છે ત્યારે યાર્ડના સતાધીશો દ્વારા રોડ રસ્તાના કામ હાથ ધરાતા ભારે હાલાકી થઈ પડી છે.ઓફ સીઝનમાં કરવાના કામ અત્યારે કરતા સત્તાધીશો પ્રત્યે વેપારીઓમાં રોષની લાગણી જન્મી છે. માર્કેટિંગ યાર્ડનાં મેઇન ગેઇટમાં જ છેલ્લાં બે મહિનાથી સીમેન્ટ રોડ બનાવવા માટે ખોદાણ કરેલ છે. અને તેવામાં નવી જણસીની આવકથી લાઈનાં ઉભેલા હજારો વાહનો ટ્રાફીકમાં અટવાય છે. તેવામાં અંદરનો બીજો રોડ પર સીસી રોડ બનાવવા માટે ખોદી નાખેલ છે. અને તે બનતા પણ હજુ એક બે મહિના થશે. ત્યારે વેપારીઓને દુકાને અવરજવર કરવા તથા માલ ઉતારવા મુશ્કેલી પડે છે.
વળી ગોંડલ શહેરમાંથી માર્કેટિંગ યાર્ડે જવાનો રસ્તો પણ ઓવરબ્રીજ કરવા બંધ કરાયો છે. ત્યાં ગુંદાળા રોડ પર આવેલ રેલ્વે ફાટક પર ઓવરબ્રીજનું કામ પણ સીઝનમાં જ ચાલું કરતા લોકોને, વેપારીઓને માર્કેટિંગ યાર્ડમાં સાંકડા રસ્તે જવું પડે છે. માર્કેટિંગ યાર્ડમાં હજારો વેપારીઓ, વાહન ચાલકો પરેશાની વેઠે છે. તેવા સંજોગોમાં તરંત કામ ઝડપથી પૂર્ણ કરી રસ્તા ખુલ્લા કરવા માંગ ઉઠી છે.