શાકભાજીની ચોરીનો આરોપ મુકી માતા-પુત્રીને મારનાર APMCના બે ગાર્ડની ધરપકડ
11-04-2025

વિડીયો વાયરલ થતા સિક્યુરીટી ગાર્ડસ સામે કાર્યવાહી
સુરતના પુણા કડોદરા રોડ સ્થિત એપીએમસી માર્કેટમાં ગત રવિવારે ચોરીની આરોપ મૂકી મહિલા અને તેની પુત્રીને બેરહમીથી માર મારનાર બે સિક્યુરિટી ગાર્ડનો વિડીયો વાયરલ થતા તે દિવસે જ સામસામી ફરિયાદ નોંધનાર પુણા પોલીસ તરત એક્શનમાં આવી હતી અને બંને સિક્યુરિટી ગાર્ડેની ધરપકડ કરી હતી.
ચાર દિવસ પહેલાની ઘટનામાં પુણા પોલીસે સામસામે ફરિયાદ નોંધી હતી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો માર મારતો પણ નજરે ચઢઢ્યો હતો. વિડીયો મુજબ સુરતના પુણા કડોદરા રોડ સ્થિત એપીએમસી માર્કેટના ગેટ નં. ૨ પાસે બે વ્યક્તિ એક યુવતીના વાળ ખેંચી તેને ઘસડીને લાતોથી મારતો હોય તેવો એક વિડીઓ આજરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ જ વિડિયોમાં લોકો તેને અટકાવવા પ્રયાસ કરતા હતા છતાં તે માર મારતો હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું.ઉપરાંત, થોડે દૂર સિક્યુરિટીના યુનિફોર્મમાં અન્ય એક વ્યક્તિ હાથમાં લાકડી સાથે તેમજ માથામાંથી લોહી નીકળતી હાલતમાં એક મહિલાને ઘસડીને માર મારતો પણ નજરે ચઢ્યો હતો. વિડીઓ વાયરલ થતા તરત હરકતમાં આવેલી પુણા પોલીસે યુવતી અને મહિલાને માર મારનાર અનિલ ઉમાશંકર તિવારી ( ઉ.વ.૪૮, રહે. સરદાર માર્કેટ, પુણાગામ, સુરત. મૂળ રહે.ઉત્તરપ્રદેશ અને આદિત્યકુમાર સિંગ ઉ.વ.૨૬, રહે. સરદાર માર્કેટ, પુણાગામ, સુરત. મૂળ રહે.ઉત્તરપ્રદેશ) ને તરત ઝડપી લીધા હતા.
પુણા પોલીસે આ બનાવમાં ગત છઠ્ઠીના રોજ મહિલા અને સિક્યુરિટી ગાર્ડની સામસામી ફરિયાદ નોંધી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ઉપર ચોરીનો આરોપ મૂકી માર મરાયો હતો.જયારે સિક્યુરિટી ગાર્ડ અનિલ તિવારીએ બંને મહિલા અને તેમની સાથે એક પુરુષ શંકાસ્પદ હાલતમાં મળતા તેમને જતા રહેવા કહેતા તેમણે ઝઘડો કરી પથ્થરથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી, બનાવના ચાર દિવસ પછી પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી કરી વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો હતો.